ગઈકાલે વાંકાનેરના સર્ધારકા ગામ પાસે આવેલ ચેક ડેમમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે મૃતકની ઓળખ મેળવવા મોરબી એલસીબી અને વાંકાનેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક નું નામ રાજુ સોલંકી છે અને તે તેના બે મિત્રો ભાવેશ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ જેમલભાઈ ભુંભરીયા સાથે જ ફરતો હતો ત્યારે પોલીસે આ બન્ને ઇસમોની અટકાયત કરી તેઓની પૂછપરછ કરતા તેઓએ આ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.સાથે જ હત્યાના કારણ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૃતક પોતાના બે મિત્રો જે આરોપી છે તેની સાથે જ ફરતો હતો અને બન્ને આરોપી તેમજ મૃતક ત્રણે ના ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ ત્રણે લોકોને વાંકાનેર રેલવે પોલીસે કોઈ અન્ય કેસ બાબતે પૂછપરછ માટે બોલાવ્યા હતા જ્યાંથી બહાર નીકળીને બન્ને આરોપીઓ ને મૃતક રાજુ સોલંકી સાથે બોલાચાલી થઇ હતી અને મૃતકને માર માર્યો હતો જ્યાંથી મૃતક રાજુ સોલંકીને ઈજાગ્રસ્ત હાલતમાં નિર્જન સ્થળ પર લઈ ગયા હતા અને ત્યાં પત્થર મારી હત્યા નિપજાવી હતી જે બાદ બન્ને આરોપીઓએ મૃતદેહને લઇને સરધારકા ગામ નજીક આવેલ ચેકડેમમાં ફેંકી દીધો હતો. ત્યાથી આરોપીઓએ નીકળી જઈને પોતે પહેરેલા કપડા સળગાવી દીધા હોવાની કબૂલાત આપી છે.તેમજ પોલીસને આરોપીઓના કબજે કરેલ બાઈક પરથી લોહીના નિશાન પણ મળી આવ્યા છે જે નિશાન મૃતક ના લોહી સાથે મેચ કરવા તેમજ આરોપીઓએ ગુનો આચરતા સમયે પોતે પહેરેલા અને સળગાવી દીધેલા કપડા શોધવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા,એલસીબી , એસઓજી,તેમજ વાંકાનેર સિટી પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસ ના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.