મોરબીના બેલા ગામ પાસે થોડા દિવસો પહેલા પાણીપુરીની રેંકડીએ પાણીપુરી ખાવા ગયેલા એક પરિવારના ત્રણ સભ્યોને એક શખ્સ સાથે ગેરસમજને કારણે બોલાચાલી થયા બાદ મારમારી થઈ હતી. જેમાં એ શખ્સે આધેડ ઉપર હુમલો કરતા તેમનું આજે રાજકોટ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આથી, આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આથી, હુમલાના બનાવની ફરિયાદમાં પોલીસે આરોપી સામે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના બેલા ગામ પાસે આવેલ એક ફેકટરીમાં પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતા મૂળ અરવલ્લી જિલ્લાના વતની રમણભાઈ મથુરભાઈ ખાંટ (ઉ.વ.૪૫)ના પુત્રવધુ અને કૌટુંબિક દિયર ગત તા.૯ના રોજ મોરબીના પીપળી રોડ પર બેલા નજીક સેલ્જા સીરામીક બહુચર વે બ્રીજની બાજુમા પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા ગયા હતા ત્યારે પુત્રવધુ પોતાના કૌટુંબિક દિયરને કહ્યું હતું કે મારા સસરા રમણભાઇ આપણી પાછળ આવે છે. આમ વાત કરતા ત્યાં ઉભેલા આરોપી આરીફ આલમશા સૈયદને એવુ લાગ્યું કે, એ પરિણીતા પોતાની વાત કરે છે અને પોતે તેનો પીછો કરે છે. એવી ગેરસમજ આરોપીના મનમાં ઉભી થતા તેણે રમણભાઈના કૌટુંબિક ભત્રીજાને ઝાપટ મારી લીધી હતી.
આરોપીએ આ છોકરી ખોટુ બોલે છે? તુ તારા ઘરેથી કોઇ મોટા માણસને અત્યારે જ બોલાવ તેમ કહેતા ફરીયાદીએ રમણભાઇને બોલાવ્યા હતા. ફરી આરોપી આરીફે બોલાચાલી કરી રમણભાઈને ઢીકાપાટુનો મારમારી માથામાં મુંઢ ઈજા કરી હતી. આથી, રમણભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થતા બનાવ ખૂનમાં પલ્ટાયો હતો. અગાઉ મૃતકના કૌટુંબિક ભત્રીજા શંકરભાઇ ઉર્ફે દિનેશભાઇ ખુમાભાઇ ખાંટએ નોંધાવેલી હુમલાની ફરિયાદમાં પોલીસે આરોપી સામે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે.