મોરબીના ગોર ખીજડીયા ગામની ધુતારી નદીમાં પેપરમિલ દ્વારા છોડાયેલા કેમિકલયુક્ત પાણીથી ફરી એકવાર અસંખ્ય માછલીઓના મોત થયા છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી આ સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જીપીસીબીની ઉદાસીનતા સામે ગામલોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ રસ્તા રોકો અને ઉગ્ર આંદોલન કરશે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની ધુતારી નદીમાં ગામની નજીક આવેલ પેપરમિલ દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું નદીમાં છોડાતા નદીનું જળ ઝેરી બની ગયું છે, જેના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા છે. નદીના કિનારે તણાઈ આવેલી માછલીઓના દ્રશ્યો જોઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચ ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આ કેમિકલ માફિયાઓ દ્વારા વારંવાર આ પ્રકારની હરકત કરવામાં આવે છે. બે-ત્રણ મહિને કેમિકલયુક્ત ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે, જેના ગંભીર પરિણામે માત્ર જળચર જીવજંતુઓ જ નહીં, પરંતુ ખેડૂતોના પાક પણ બરબાદ થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત અને મૌખિક રીતે અનેકવાર જાણ કરવામાં આવી છે. અધિકારીઓ સ્થળ પર આવી સેમ્પલ લઈ ગયા હોવા છતાં, આજદિન સુધી કોઈ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ગ્રામજનોના મતે, જીપીસીબીના અધિકારીઓની ઉદાસીનતા અને ભ્રષ્ટ વલણના કારણે આ પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. ગામલોકો હવે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. ગામના યુવાનો અને વડીલોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે અને આ કેમિકલ માફિયાઓ સામે કાનૂની પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન, ચક્કાજામ અને રસ્તા રોકો કાર્યક્રમ કરશે









