રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે મોરબીમાં ખુલ્લેઆમ બાળકોને ઘેટાં બકરાંની જેમ ભરીને જતી રીક્ષાઓ પણ ગેમઝોન જેવુ જ યંત્ર છે, જો આવી રીક્ષાઓનો અકસ્માત સર્જાયો તો નિર્દોષ બાળકોના જીવ ફરી જોખમમાં મુકાય શકે છે. ત્યારે તંત્ર માત્ર ગેમ ઝોનમાં જઈ એનઓસી ઉઘરાવી સંતોષ ન માની આવા રિક્ષા ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.
આમ તો દરેક લોકો પોતાના બાળકોને રીક્ષા અથવા વાનમાં સ્કૂલે મોકલતા હોય છે, પરંતુ તમારું બાળક કેટલું સલામત હોય છે તે કદી નથી વિચારતા, ત્યારે સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી-તેસી કરી બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરે છે, અને બાળકોના જીવ જોખમમાં મુકી દે છે. જે પણ એક ગેમઝોન જેવુ જ યંત્ર કહી શકાય. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, તંત્ર માત્ર મોટા માથાઓને ત્યાં દરોડા પડી સંતોષ ન માની લ્યે પરંતુ આવા રિક્ષા ચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. જો આવી રીક્ષાઓને રોકવામાં નહીં આવે તો આગામી સમસ્યામાં વધુ બાળકોના જીવ જોખમમાં મૂકાય શકે છે. ત્યારે ન માત્ર તંત્ર પરંતુ વાલીઓએ પણ પોતાનું બાળક કેવી રીતે શાળાએ જાય છે અને જે વાહનમાં જાય છે. તે તપાસવું પણ જરૂરી છે. જેથી આગામી સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ન સર્જાય.