હળવદ લાંબા સમયથી રમતવીરોની માંગણીઓને ધ્યાને લઈ હળવદ તાલુકાનું ઈન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથેનું સ્પોર્ટસ સંકુલનું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. જે સ્પોર્ટસ સંકુલ રૂપિયા સાત કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. તો સાથે સોનામાં સુગંધ ભળે તે રીતે હળવદ માર્કેટિંગ યાર્ડની ઘણા સમયથી જમીનની માગણીની પણ મંજુરી સંતોષાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 35 ટકા કિંમતથી જમીનની ફાળવણી કરાઈ છે. અને હવે સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ તરીકે હળવદનું માર્કેટિંગ યાર્ડ બનશે તેવું હળવદ એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી દ્વારા જણાવામાં આવ્યું હતું.
આ સાથે જ સરા ચોકડીએ વોટર એટીએમ મુકવામાં આવ્યું છે. જેની કેપીસીટી 300 લીટરની છે જેથી લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી તેમાંથી મળી રહેશે. તેમજ કડીયાણા, માથક અને માટેલ ચોકડીને જોડતા 72 કરોડના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો સાથે આવતીકાલે હળવદ બસ સ્ટેન્ડનું લોકાર્પણ અને બે બસો હળવદથી અમદાવાદ માટે મુસાફરોની સુવિધા માટે મુકવામાં આવશે. આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ભગત,રવિભાઈ પટેલ, અશોક પ્રજાપતિ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.