મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલ પ્લાઝા નજીક આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ બની છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ ભરવા અને પાણી નિકાલની ટ્રેન્ચ સાફ કરવા તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ કરી છે.
વાંકાનેર તાલુકામાં વઘાસીયા ટોલ પ્લાઝાથી માત્ર એક કિલોમીટર જેટલા અંતરે નર્સરી પાટીએ જતો સર્વિસ રોડ હાલ અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડેલા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડાઓના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હોવા ઉપરાંત અકસ્માતનો ભય પણ સતત રહ્યો છે. વાંકાનેર તથા આસપાસના ગામોમાં અવરજવર કરતા લોકો માટે આ સર્વિસ રોડ માથાના દુઃખાવા સમાન બની ગયો છે. ટોલ પ્લાઝાની અત્યંત નજીક હોવા છતાં જો જનતાને આવી હાલાકી ભોગવવી પડે તે બાબત ગંભીર હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઈ વૈષ્ણવે તંત્ર સમક્ષ માંગ કરી છે કે સર્વિસ રોડને ત્વરિત રીપેર કરવામાં આવે તેમજ બાજુમાં આવેલી પાણી નિકાલની ટ્રેન્ચને યોગ્ય રીતે સાફ કરી જનતાને રાહત આપવામાં આવે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









