મોરબીના ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં ખાનગી મેળાઓને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લા એસ.પી.ને પત્ર લખવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને પત્ર લખી જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના મોરબી શહેરમાં તહેવારોને આવવાના સમય પહેલા એક-બે માસ પહેલા મનોરંજનને નામે લોકમેળા કરવાના રાફડા ફાટે છે અને આ મેળા તહેવાર પૂરા થયા પછી પણ એક માસ સુધી ચાલુ રાખવામાં આવે છે. સતત સવારથી રાત્રીના બે થી ત્રણ વાગ્યા સુધી ઘોંઘાટ સાથે ચાલુ રહે છે. જેના કારણે આસપારાના રહેવાસીઓને વિના કારણે ભારે પરેશાની ભોગવવી પડે છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સ્કૂલનું હોમવર્ક કે વાંચન ના કરી શકવાને કારણે અભ્યાસ બગડે છે. આજુ-બાજુમાં સ્કૂલ આવેલ છે માઈકના મોટા મોટા અવાજને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલ પણ જઈ શકતા નથી. તેમજ આસપાસમાં રહેઠાણ આવેલા છે. જેના રહેવાસીઓ આખો દિવસ – રાત માઈકના મોટા મોટા અવાજથી પરેશાન છે. આ મોટા મોટા અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ફેલાય છે અને ત્યાં ટ્રાફિક જામ પણ પાપ છે.અને માનવ જીવનમાં અવાજના કારણે ઘણી બધી તકલીફ ભોગવવી પડે છે. વિધાર્થીનો અભ્યાસ બગડે છે લોકોની સાંભળવાની શકિત ઓછી થઈ જાય છે. જેવા ઘણા બધા આ મેળાના કારણે પ્રશ્ન ઉભા થાય છે. ત્યારે આપ સાહેબને અમારી વિનંતી છે કે ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં યોજાતા લોકમેળાને મંજૂરી ના આપવામાં આવે. આ વિસ્તારના રહેવાસીઓ અને આ વિસ્તારમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીની લાગણી અને માંગીને ધ્યાને લઈ આવા માઈક દ્વારા અવાજ ફેલાવતા લોકમેળાઓને મંજૂરી આપવામાં ના આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે. લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ તેમજ કોર્ટ કાર્યવાહી કરી આવા લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે. તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ પત્રમાં ચીમકી પણ ઉચ્ચારી હતી.