વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા એબીબીપી દ્વારા મોરબી ડેપો મેનેજરને લેખિત રજુઆત.
મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબી એસ.ટી. ડેપો મેનેજરને લેખિત રજુઆત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને અવારનવાર પડતી મુશ્કેલીઓ અંગે મોરબી એબીવીપી દ્વારા રજુઆતમાં ખાસ કરીને શારદાનગર અને ધૂળકોટ રૂટની એસ.ટી. બસ સેવા ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
એબીવીપી મોરબીના નગર મંત્રી મુગ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ વિદ્યાર્થીઓ તરફથી બસ અનિયમિતતા અને બંધ કરાયેલા રૂટ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી. શારદાનગર અને ધૂળકોટ જેવા વિસ્તારોના અનેક વિદ્યાર્થીઓને રોજિંદા જવા-આવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેમના શિક્ષણ પર પ્રત્યક્ષ અસર પડે છે.
એબીવીપી મોરબી દ્વારા એ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વિદ્યાર્થી હિતમાં બંધ થયેલ રૂટની બસ સેવા વહેલી તકે પુનઃ શરૂ નહીં થાય, તો વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.