જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કૃષિમંત્રી અને સીસીઆઈ ઝોનલ મેનેજરને લેખિત રજુઆત.
મોરબી જીલ્લાના માળિયા તાલુકા જેવા કપાસ ઉત્પાદક વિસ્તારમાં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને દુરદરાજના શહેરોમાં પાક વેચવા જવું પડે છે. ખેડૂતોને MSPનો સીધો લાભ મળે તે માટે માળિયા તાલુકામાં જ CCI ખરીદી કેન્દ્ર શરૂ કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કૃષિમંત્રી અને સીસીઆઈ ઝોનલ મેનેજરને લેખિત રજુઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ માળિયા તાલુકાના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરી કૃષિ મંત્રી તેમજ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર ઝોન ઓફિસના ઝોનલ મેનેજરને લખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે માળિયા તાલુકો મોરબી જીલ્લાનો મુખ્ય કપાસ ઉત્પાદક વિસ્તાર છે, જ્યાં દર વર્ષે નાના-મોટા હજારો ખેડૂત કપાસની ખેતી કરી પોતાની રોજીરોટી રળે છે. હાલમાં માળિયા તાલુકામાં સીસીઆઈ દ્વારા કોઈ ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને પોતાના પાકને વેચવા મોરબી, રાજકોટ સહિતના દૂરના શહેરોમાં જવું પડે છે, આ ઉપરાંત, ખેડૂતના હિતમાં MSP મુજબ સરકારની ખરીદીની સુવિધા પણ તાલુકા સ્તરે ન મળતા ખેડૂતોને વેપારી ઉપર નિર્ભર રહેવું પડે છે. ખેડૂત હિતને પ્રાથમિકતા આપતી રજૂઆતમાં માળિયા તાલુકામાં તાત્કાલિક સીસીઆઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરી છે જેથી MSPનો લાભ સીધો ખેડૂતોને તેમના પોતાના તાલુકામાં મળી શકે તેવી વિનંતી સાથે માંગણી કરવામાં આવી છે.









