વાંકાનેર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનુ સેન્ટર આપવાની માંગ સાથે શકીલ પીરઝાદાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી છે. ચાલુ વર્ષે વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયું છે. વર્ષ ૨૦૨૦–૨૧ મા સરકાર દ્વારા વાંકાનેર તાલુકામાં માર્કેટ યાર્ડને ખરીદીનુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેની માફક આ વર્ષે પણ વાંકાનેર માર્કેટ યાર્ડને ચણા ખરીદીનુ કેન્દ્ર આપવા માટે માર્કેટ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ મોરબી જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર GSCSCLને લેખીત રજુઆતો કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે હાલમા ગ્રામ્ય વિસ્તારમા વી.સી મારફત ખેડૂતોની નોંધણી થાય છે. જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટ યાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રુમની ફાળવણી કરવામાં આવશે. માર્કેટ યાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા ખેડૂતોને તેનો લાભ મળશે. નાનામા નાના ખેડૂતોને પોતાના માલની ઉંચી કિંમત મળે તે માટે ચણાનુ ખરીદી કેન્દ્ર વાંકાનેર માર્કેટ યાર્ડમાં શરુ કરવામા આવે તેવી માંગ ઉઠાવી છે.