બેટી બચાવોના સૂત્ર નેસાર્થક કરવા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો સહિતના નેતાઓ સામાજિક સમાનતાની વાતો કરે છે. ત્યારે આજના તબક્કે પણ દીકરીનું સ્થાન કેટલું સમાન બન્યું તેનો જીવંત દાખલો અને સમાજની વરવી વાસ્તવિકતા જણાવતો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પીપળીયા રાજ ગામે અગાસી ઉપરથી નવજાત બાળકી મળી આવી છે. બાળકીનો રડવાનો અવાજ આવતા મકાન માલિકે અગાસી પર જઈ જોતા ત્યાંથી નવજાત બાળકી મળી આવી હતી. જેને લઈ મકાન માલિકે પોલીસ અને 108ને જાણ કરી હતી. તેમજ પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાના ઘરની અગાસી પર કોઈ અજાણી સ્ત્રી બાળકીને છોડી જતા 108 મારફતે બાળકીને વાંકાનેર ખસેડાઇ હતી. જ્યાં બાળકીની હાલત નાજુક હોય તેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. તેમજ વાંકાનેર પોલીસ દ્વારા બાળકીને અહી કોણ છોડી ગયું તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે.