મોરબી શહેરમાં એક યુવક પાસેથી વ્યાજ સહીત રકમ પરત મેળવી લીધા પછી પણ રૂપિયાની વધારે લાલચે યુવક પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ દરમિયાન વ્યાજખોર દ્વારા યુવકના પિતાનું અપહરણ, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ચેકો અને જમીનના દસ્તાવેજ બળજબરીપૂર્વક કબજે કર્યા હોવાના આક્ષેપો સાથે પીડિત યુવક દ્વારા શહેરના પોલીસ મથકમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ તથા બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી જય પ્રવીણભાઈ અંબાણી ઉવ.૩૦ રહે. પંચવટી સોસાયટી છાત્રાલય પાછળ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દિનેશભાઇ ગગુભાઈ મકવાણા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, ફરિયાદી જયભાઈએ આરોપી પાસેથી ધંધાની જરૂરિયાતમાં ઊંચા વ્યાજે નાણાં લીધા હતા અને તે વ્યાજ સહિતની મૂળ રકમ પરત ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી દિનેશભાઈએ વધુ વ્યાજની ઉઘરાણી કરવા દબાણ કર્યું હતું. આ દરમિયાન વાવડી રોડ ઉપર સ્થિત આરોપીની “આસ્થા” નામની ઓફિસમાં ફરિયાદીને બોલાવીને હેરાનગતિ કરવામાં આવી હતી. આરોપી દિનેશભાઈએ માત્ર ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી જ નહીં, પરંતુ ફરિયાદીના પિતાનું અપહરણ કરી બળજબરી પૂર્વક ચેકો તથા ખેતીની જમીનના દસ્તાવેજોની ફાઇલ પણ કબજે કરી લીધી હતી. ત્યારે ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.