ગુજરાતમાં રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. 9મીએ કમલમ પર ‘હલ્લાબોલ’ કરવાની કરણી સેનાની ચીમકી વચ્ચે ગઈકાલે મોરબીના આમરણ ગામે પૂનમબેન માડમની સભામાં કરણી સેના વિરોધ કરવા પહોંચી હતી. જો કે, તેઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સમયે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતા ભાજપ બરોબરનું ભેરવાયુ છે. જોકે, ક્ષત્રિયોના ચારેકોર વિરોધ વચ્ચે પણ ભાજપ હજુય રૂપાલાના પડખે રહ્યુ છે પરિણામે વિવાદ વધુ વકર્યો છે. હવે કરણીસેનાએ એલાન કર્યુ છેકે, તા. ૯મી એપ્રિલે બપોરે બે વાગે કમલમનો ઘેરાવ કરવામાં આવશે. જે વચ્ચે ગઈકાલે મોરબીના આમરણ ગામે પૂનમબેન માડમની સભામાં વિરોધ કરવા પહોંચેલા કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના આમરણ ગામનો જામનગર લોકસભા સીટમાં સમાવેશ થાય છે. ત્યારે ગઈકાલે સાંજે પૂનમ માડમની સભા યોજાઈ હતી. જેમાં વિરોધ કરવા માટે કરણી સેના આવી પહોંચી હતી. જો કે, કરણી સેના વિરોધ કરે તે પહેલા જ કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો અટકાયત કરાઈ હતી. જેને પગલે રાજપુત સમાજના આગેવાનો મોરબી તાલુકા મથકે એકઠા થયા છે.