મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ગઇકાલે વધુ બે ઇસમો ઝડપાયા છે. જેમાં માળીયા મી.નાં નાની બરાર ગામ પાસેથી એક ઈસમ વિદેશીની બોટલો સાથે ઝડપાયો છે. જ્યારે હળવદનાં રાતાભેર ગામના પાદરે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો છે. જ્યારે બે ઇસમો ફરાર થઈ જતાં તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નાની બરારથી જાજાસર ગામ તરફ જવાના રસ્તેથી એક શખ્સ પસાર થનાર છે. જેની પાસે કેફી પ્રવાહી પદાર્થ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હમીરભાઈ સુખાભાઈ કોઠીવાર ( રહે-નાની બરાર તા-માળીયા મીં. જી.મોરબી) નામના શખ્સને શંકાના આધારે રોકી તેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા શખ્સની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ લખેલ બિયરના રૂ.૪૦૦/-ની કિંમતના ૦૪ ટીન મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે રાતાભેર ગામના પાદરમાં નીચી માંડલ ગામ જવાના રસ્તે વોચ ગોઠવી હતી, ત્યારે ઈસમો પોલીસને જોઈ જતા ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અને પોતાની GJ.36.R.6291 નંબરની સ્વીફ્ટ ગાડી સ્થળ પર જ છોડી દીધી હતી. જો કે, પોલીસે આરોપીઓનો પીછો કરી અરવિંદભાઈ જીવણભાઈ આકરીયા (રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી) નામના શખ્સને પકડી પાડ્યો હતો. જયારે ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા (રહે. સુરવદર તા.હળવદ જી.મોરબી) નામનો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ છૂટ્યો હતો. ત્યારે પોલીસે એક આરોપીને પકડી ગાડીની તપાસ કરતા કારમાંથી પિંન્ટુભાઈ અશોકભાઇ બોરાણીયા (રહે. માથક તા.હળવદ જી.મોરબી) નામના શખ્સ પાસેથી મેળવેલ ઈંગ્લીશદારૂની “મેક ડોવેલ્સ નં-૧ ડીલક્સ વીસ્કીની રૂ.૧૨,૭૫૦/-ની કિંમતની કંપની શીલપેક ૩૪ બોટલો તથા “ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વીસ્કી”ની રૂ.૯૦૦૦/- ની કિંમતની કંપની સીલપેક ૨૪ બોટલો મળી કુલ ૫૮ બોટલોનો રૂ.૨૧,૭૫૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે વિદેશી દારૂની બોટલો અને કાર મળી કુલ રૂ.૩,૨૧,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને ફરાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે ગુન્હો દાખલ કર્યો છે.