હોદા ઉપરથી દૂર કરાયેલ સભ્યએ જીલ્લા વિકાસ અધિકારી, સરપંચ તથા ઉપસરપંચ સામે વિકાસ કમિશનમાં કરેલ દરખાસ્ત નામંજૂર
મોરબીના લખધીરપુર ગ્રામપંચાયતના સભ્યને તેના હોદાનો દુરુપયોગ કરી શરમજનક ગેર વર્તુણુંક કરવા બદલ તેના સભ્યપદના હોદા ઉપરથી દૂર કરવાના જીલ્લા વિકાસ અધિકારીના આદેશને રાજ્ય વિકાસ કમિશનર દ્વારા કાયમ રાખી ગ્રામ પંચાયતના સભ્યએ કરેલ અરજી આ સાથે નામંજૂર કરતો આદેશ ફરમાવવામાં આવ્યો છે.
મોરબી તાલુકાના લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધરએ ગ્રામપંચાયતની સ્થાનિક સંસ્થાઓ જેવી કે પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, પંડિત દિનદયાળ અન્ન ભંડાર તથા ગ્રામપંચાયતના વિકાસના કામોમાં ખોટી રીતે કનડગત કરી પોતાના હોદાનો દુરુપયોગ કર્યો હોય તેથી આવી શરમજનક ગેરવર્તુણુંકને લઈ ત્રણ વખતની રૂબરૂ સુનાવણી માટેની તક આપ્યા બાદ ગઈ તા.૦૧/૦૨ના રોજ લખધીરપુર ગ્રામપંચાયતના સભ્ય રમેશભાઈ ખાણધરને સભ્ય પદના હોદા ઉપરથી દૂર કરવાનો આદેશ મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. જે આદેશને હોદા ઉપરથી દૂર કરેલ સભ્ય રમેશભાઈ દ્વારા રાજયની વિકાસ કમિશનમાં જીલ્લા વિકાસ અધિકારી, લખધીરપુર ગ્રામ પંચાયત સરપંચ તથા ઉપસરપંચ સામે અરજી કરી કરવામાં આવેલ આદેશને પડકારવામાં આવ્યો હતો ત્યારે તમામ આધાર પુરાવા તથા તલાટી મંત્રી, શાળાના આચાર્ય, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, ગ્રાહક અન્ન ભંડારના સંચાલકના નિવેદનોને ધ્યાને લઈ વિકાસ આયોગના કમિશનર દ્વારા જીલ્લા વિકાસ અધિકારીએ કરેલ હોદા ઉપરથી દૂર કરવાના આદેશને કાયમ રાખી લખધીરપુર ગ્રામપંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધરની અરજી આ સાથે નામંજૂર કરવામાં આવી હતી.