મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ૧૯૭૧ની અમલી વિકાસ યોજના અને GRUDA(ગુજરાત રેગ્યુલઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ એક્ટ-૨૦૨૨ અંતર્ગત અનધિકૃત બાંધકામને નિયમબદ્ધ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી ૨૩ વિકાસ પરવાનગીના કેસ નોંધાયા છે, જેમાંથી ૬ કેસ યોજના બહારના હોવાથી દફતર કરવામાં આવ્યા છે. GRUDA-૨૦૨૨ હેઠળ કુલ ૨૮૧૬ અરજીઓમાંથી ૧૯૦૬ દફતર થઇ ચૂક્યા છે, અને બાકીના કેસની તપાસ ચાલુ છે. તાજેતરમાં સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની નિમણૂક થતાં કામગીરીમાં ઝડપી ગતિ અપાશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હદ વિસ્તારમાં હાલ અમલી અને મંજૂર ૧૯૭૧ની વિકાસ યોજના તથા GRUDA-૨૦૨૨(ઇમ્પેક્ટ) અંતર્ગત ચાલું અનધિકૃત બાંધકામોને નિયમબદ્ધ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજના હેઠળ અત્યાર સુધી કુલ ૨૩ વિકાસ પરવાનગીઓ માટે અરજીઓ નોંધાવવામાં આવી છે. જેમાંથી ૬ અરજીઓ એવા વિસ્તારોમાંથી છે, જે અમલી વિકાસ યોજના-૧૯૭૧ની હદ બહાર આવે છે. ગુજરાત શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ ૧૩ હેઠળ આવી જગ્યાઓ માટે વિકાસ યોજના જાહેર ન થાય ત્યાં સુધી વિકાસ પરવાનગી અપાતી નથી. જેના આધારે આ ૬ કેસ દફતર કરવામાં આવ્યા છે. બાકીના ૧૭ કેસ માટે મંજૂરી પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તેના નિકાલ માટે મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે.
આ સાથે GRUDA-૨૦૨૨ અંતર્ગત કુલ ૨૮૧૬ કેસ રજીસ્ટર થયેલા છે, જેમાંથી ૧૯૦૬ કેસ ૧૯૭૧ની વિકાસ યોજના બહારના વિસ્તારના હોવાથી તે દફતર કરાયા છે. બાકીના કેસની મંજૂરી કે નામંજૂરીની કાર્યવાહી ચાલુ છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં કરાર આધારીત સર્વેયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે, જેથી અરજીઓની પ્રક્રિયા ઝડપથી પુરી થાય અને નાગરિકોને વધુ રાહ જોવી ન પડે. તદઉપરાંત, જે અરજીઓ અમલી વિકાસ યોજના-૧૯૭૧ના હદ વિસ્તારમાં આવે છે અને દફતર થઈ ગઈ છે, તે અરજદારો હાલ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ૧૭ જૂન સુધીમાં ફરી અરજી કરી શકે છે, તેમ યાદીમાં જણાવ્યું છે.