મોરબી તાલુકાના જેપુર ગ્રામપંચાયત દ્વારા ગામતળ નીમ જગ્યાની માપણી કરવા નડતરરૂપ ગાંડા બાવળ દૂર નહિ કરતા જેપુર ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજ રોજ જેપુર ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જેપુર તાલુકાના અનુસૂચિત જાતિના ગ્રામજનો દ્વારા આજ રોજ તા.23/07/2024 ના રોજ તાલુકા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જે ધરણા પ્રદર્શનમાં અગાઉ રૂબરૂ સમજૂતી થયા મુજબ જેપુર ગામના સર્વે નં. 172 પૈકી 1 સરકારી પડતર ખરાબાની જગ્યા ઉપર અનુસૂચિત જાતિ માટે ગામતળ નીમ કરવા પ્રાંત અધિકારીના પત્ર મુજબ પૂર્વ માપણી કરવા જમીન માપણી કરવામાં નડતરરૂપ ગાંડા બાવળો દૂર કરવા ગ્રામપંચાયતને લેખિતમાં આદેશ આપ્યો હતો. પરંતુ ગ્રામપંચાયતના જવાબદાર સરપંચ અને તલાટી કમ મંત્રી ખરાબાની જમીન ઉપર ઉભા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી પુરી કરવામાં આવી ન હતી. જેને લઇ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અધિકારી દ્વારા તા.22/03/2024 સુધીમાં જવાબદારો સામે પગલાં લેવાની બાહેંધરી આપવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.