રાજકોટ વિભાગ એ.સી.બી. સુરેન્દ્રનગર દ્વારા ધ્રાંગધ્રા કાર્યપાલક ઇજનેરની કચેરીના કર્મચારી રાજેશભાઈ હરકીશનભાઈ દેવમુરારી, તત્કાલીન સીનીયર કલાર્ક (ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ), વર્ગ-૩, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૨/૧, ધ્રાંગધ્રા વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કત (Disproportionate assets)નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ના સુધારા અધિનિયમ-૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત/ રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપતિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલક્તોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સજેક્શન એક્ટ-૧૯૮૮ (સુધારા તા.૩૧/૧૦/૨૦૧૮) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આરોપી રાજેશભાઇ હરકીશનભાઈ દેવમુરારી ઉ.વ.૬૧ તત્કાલીન સીનીયર કલાર્ક (ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ) વર્ગ-૩, કાર્યપાલક ઇજનેરની કચેરી, સૌ.શા.ન.વિ.નં.૨/૧, ધ્રાંગધ્રાની અપ્રમાણસરની મિલકતની તપાસનાં ચેક પીરીયડ તા.૦૧.૦૪.૨૦૧૨ થી તા.૩૧.૦૮.૨૦૧૯ નાં સમયગાળા દરમ્યાન મેળવવામાં આવી હતી. જે દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહીતી તેમજ તેમનાં નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.નાં નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાનાં જાહેર સેવક તરીકેનાં હોદાનો દૂરુપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાનો ઉપયોગ કરી પોતાનાં નામે મિલકતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયુ છે. આરોપી પાસેથી રૂ. ૩૬,૩૯,૬૨૪/- (અંકે છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર છસો ચોવીસ રૂપિયા પુરા)નું એટલે કે, ૬૫.૩૩% વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે, આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોય તેવી અરજીની તપાસ કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી. તપાસ કરનાર અધિકારી એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગરે સરકાર તરફે ફરીયાદી બની સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- સને-૧૯૮૮ની કલમ-૧૩(૧)ઇ, ૧૩(૨) તથા ભ્ર.નિ.અધિ.સને-૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૧૩(૧) બી, ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કર્યો છે. જે ગુન્હાની આગળની તપાસ જે.એમ.આલ, પોલીસ ઇન્સ. એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યને સોંપવામાં આવી છે.
ત્યારે આ કેસ અંગે કે અન્ય કોઈ સરકારી અધિકારી/ કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલક્તો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ એ.સી.બી. ના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ વ્હોટસએપ નં.૯૦૯૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ સંપર્ક કરવા અથવા CD અથવા પેન ડ્રાઇવમાં માહીતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે