મોરબી તાલુકાના ધુળકોટ ગામે સરકારી ખરાબાની જમીનને અનુસૂચિત જાતિના સ્મશાન તરીકે ઉપયોગમાં લેવા કાયદેસર રીતે ફાળવેલ જમીનની બાજુમાં આવેલ ખેતરના ખેડૂત દ્વારા અનુસુચિત જાતિના સ્મશાનની જમીનમાં વાવેતર કરી ગેરકાયદે કબ્જો કરી ખાલી નહિ કરતા ખેડૂત વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા વિનોદભાઇ મગનભાઇ પરમાર ઉવ.૩૭ એ ધુળકોટ ગામમાં જ રહેતા આરોપી દીપુભાઇ દામજીભાઇ ચાવડા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે અમારા ગામમાં અનુસુચિત જાતિના સ્મશાન માટેની જમીન માટે વર્ષ ૨૦૨૧માં મોરબી નાયબ કલેકટર કચેરીમાં અરજી કરેલ હતી. જેના આધારે નાયબ કલેકટરે, ધુળકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નં.-૧ ૪૪/૧/૧ પૈકીનુ કુલ ક્ષેત્રફળ હે. ૪૯-૯૯-૯૧ ચો.મી. માંથી હે. ૦-૮૦-૯૪ ચો. મી. ની જમીન અનુસુચિત જાતિ માટે સ્મશાન નીમ કરવા હુકમ થયેલ છે. ત્યારબાદ આ જમીનનો અમારી જ્ઞાતિના માણસો ઉપયોગ કરતા હોય પરંતુ આ સ્મશાન માટે ફાળવેલ જમીનની બાજુમાં આરોપી દીપુભાઇ દામજીભાઇ ચાવડાની ખેતીની જમીન આવેલ હોવાથી આ દીપુભાઈ દામજીભાઇ ચાવડાએ અનુસુચિત જાતિના સ્મશાન માટે કાયદેસર રીતે ફાળવેલ હોય તેમજ આ જમીનની માપણી થયેલ હોય તેમાં પણ આ જમીન અનુ.જાતિને સ્માશાન માટેની જમીન હોવાનુ જણાયેલ છે. તેમ છતા આશરે છેલ્લા બે વર્ષથી આ જમીનમાં ખેતી કરે છે. જે બાબતે આરોપી દીપુભાઈને જમીનમાં ખેતી કામ નહી કરવા રજુઆત કરેલ હોય તેમ છતા જમીન બાબતે ખોટી રજુઆત કરી જમીન ખાલી કરતા ન હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ તાલુકા પોલીસે આરોપી સામે એટ્રોસીટી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.