મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેક્ટરીના ગેટ પાસે પાર્ક કરેલ ટ્રક ટ્રેઇલરની ટાંકીનું ઢાંકણું તોડીને અજાણ્યા ચોર ઈસમ દ્વારા ડીઝલ ચોરી કર્યા અંગે ટ્રક ચાલક દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના ઝુનઝુનુન જીલ્લાના કુનવારપુરા પપુરના ગામના વતની જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત ઉવ.૪૮ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ડીઝલ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી ગત તા.૨૪/૧૦ ના રોજ ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૧૪-જીક્યુ-૪૩૭૭ માં રાજસ્થાનથી પાવડર ભરી મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કંપનીએ પહોંચ્યા હતા. ત્યારે રાત્રીના ગાડી ખાલી ન થતા, તેઓ હોલીસ કારખાનાના ગેટ પાસે ટ્રક પાર્ક કરીને ટ્રકની કેબિનમાં સુઈ ગયેલ હોય જે બાદ ૨૫/૧૦ની વહેલી સવારે બીજા ટ્રકવાળાઓએ ફરિયાદી જીતેન્દ્રસિંગને જગાડી જણાવેલ કે, ટ્રકમાંથી ડીઝલ ચોરી થયું છે, જેથી તેઓએ તપાસ કરતા તેના ટ્રકના ડીઝલ ટાંકીનું ઢાંકણું તૂટેલી હાલતમાં નીચે પડેલ હોય અને ડીઝલ ટાંકીમાંથી ડીઝલ ચોરી થયેલ હોય, ટાંકીમાં આશરે ૧૪૦ લીટર ડીઝલ રૂ. ૧૩,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. હાલ તાલુકા પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









