મોરબીના હૃદય સમાન ગણાતા એલ.ઈ. ગ્રાઉન્ડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. તાજેતરમાં યોજાયેલા મેળા બાદ ગ્રાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, મેળા પૂર્ણ થયા બાદ એલ.ઈ. ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક કચરો, લોખંડની ખીલીઓ અને અન્ય ગંદકીનો ઢગલો યથાવત પડ્યો છે. તંત્ર દ્વારા સમયસર સફાઈ ન કરવામાં આવતા આ ઐતિહાસિક ગ્રાઉન્ડની સ્થિતિ દયનીય બની ગઈ છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિકોએ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, મેળા યોજવા માટે મંજૂરી આપવી યોગ્ય છે, પરંતુ ત્યારબાદ સફાઈ માટે જવાબદારી ન લેવી ગંભીર બેદરકારી દર્શાવે છે. સંચાલકો કચરો ફેલાવીને જતા રહે છે અને તંત્ર મૌન રહે છે. આ ગ્રાઉન્ડમાં દરરોજ સવારે વડીલો વોકિંગ માટે આવે છે તેમજ યુવાનો રમતો રમે છે. પરંતુ ખીલીઓ અને કચરાના કારણે ઈજાનો ભય વધતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે, જ્યારે સામાન્ય નાગરિકો કચરો કરે તો મહાનગરપાલિકા દંડ ફટકારે છે, ત્યારે આટલી ગંદકી માટે જવાબદાર સામે કાર્યવાહી કેમ નથી થતી? “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવી સ્થિતિ વચ્ચે હવે તંત્ર ક્યારે જાગશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.









