હળવદમાં પત્ની સાથે વોટ્સએપ પર વાતચીત ન કરવા મુદ્દે થયેલા વિવાદ બાદ ચાર આરોપીઓએ યુવક, તેના ભાઈ તથા મિત્ર પર હુમલો કર્યો હતો. હુમલામાં ભાઈના માથામાં ગંભીર ઈજા થતાં તેને હળવદ બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ હળવદ પોલીસને ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ મળતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે. નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદમાં જીઆઇડીસી બાલાજી કારખાના પાછળ રહેતા કરણભાઈ બળદેવભાઈ સડલીયા ઉવ.૨૧ એ હળવદ પોલીસ સમક્ષ આરોપી સહદેવભાઈ મુનાભાઈ કોળી, રામો કોળી રહે. બંને હળવદ ભવાનીનગર ઢોરે તથા ભાવેશભાઈ લાલદાસભાઈ સાધુ અને હગો કોળી રહે.બંને. હળવદ હરીદર્શન સોસાયટી વાળા એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, કરણભાઈની પત્ની રાધીબેન સાથે રોહન રાવળદેવ વોટ્સએપમાં મેસેજ તથા વાતચીત કરતો હોય, જે બાબતે કરણભાઈએ રોહન રાવળદેવને પોતાની પત્ની સાથે વોટ્સએપમાં વાતચીત કરવાની ના પાડેલ જે બાબતના વિવાદના સમાધાન કરવા હળવદ વેગડવાવ ફાટક પાસે બોલાવી ઉપરોકત ચારેય આરોપીઓએ કરણભાઈ તથા તેના ભાઈ નિકુલ ઉર્ફે અર્જુન અને મિત્ર મનસુખભાઈ કોળી ઉપર હુમલો કર્યો હતો. જેમાં આરોપી હગા કોળીએ લાકડાના ધોકા વડે નિકુલ ઉર્ફે અર્જુનના માથાના ભાગે ઘા માર્યા હતા જેના કારણે તે બેભાન થઈ જમીન પર પડી ગયો હતો. જે બાદ મનસુખભાઈ વચ્ચે પડતા તેને પણ હાથમાં કોણી પાસે ધોકાથી ઘા મારવામાં આવ્યો હતો, જે દરમિયાન દેકારો થતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે