સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથે ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત.
હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથે સરકારી કોલેજ શરૂ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી અને હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ૬૦થી વધુ ગામોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય શહેરોમાં જવું પડતું હોવાથી સ્થાનિક સ્તરે કોલેજની તાત્કાલિક જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.
હળવદ શહેર તથા આસપાસના અંદાજે ૬૦થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત સાથે તપનભાઈ દવે દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગ ઉઠાવવામાં આવી છે. હાલમાં ધોરણ ૧૨ બાદ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે મોરબી, સુરેન્દ્રનગર અથવા અન્ય દૂરના શહેરોમાં જવું પડે છે, જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દીકરીઓ માટે દૂર શહેરોમાં જઈ અભ્યાસ કરવો સુરક્ષા અને ખર્ચ બંને દૃષ્ટિએ પડકારજનક બની રહે છે. આવી પરિસ્થિતિમાં હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથેની સુવિધાસભર સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો સમગ્ર પંથકના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સસ્તું ઉચ્ચ શિક્ષણ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થઈ શકે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે નવી કોલેજ શરૂ થવાથી વિસ્તારના શૈક્ષણિક વિકાસને વેગ મળશે તેમજ સામાજિક અને આર્થિક પ્રગતિને પણ પ્રોત્સાહન મળશે. તપનભાઈ દવે દ્વારા રાજ્ય સરકારને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હળવદ ખાતે તાત્કાલિક અને સકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે. હળવદ તથા આસપાસના વિસ્તારના શિક્ષણપ્રેમી નાગરિકો દ્વારા આ માંગને વ્યાપક સમર્થન મળ્યું છે અને સરકાર તરફથી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









