સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વેરાવળ બંદરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ટીમે દરોડા પાડી ડીઝલ, રેતી, કાંકરી, ટેટ્રાપોલ, ગ્રીસ સહિતની સામગ્રીનો લાખો રૂપિયાની કિંમતનો બિનવારસુ જથ્થો ઝડપી પાડી સીઝ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ બંદર પર કાર્યવાહી કરવામાં આવી છે.
દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ બંદરમાંથી અનઅધિકૃત ખનીજ અને ડીઝલ, ઓઇલનો મોટો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના આદેશ ને પગલે વેરાવળ ડે. કલેક્ટર તેમની ટિમ સાથે ત્રાટકયા હતા. અને બંદરની માલિકીની જગ્યામાં અનઅધિકૃત સંગ્રહ કરેલ 17.28 લાખ ની બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો સિઝ કર્યો હતો. ઉપરાંત ડીઝલ, ઓઇલ અને ગ્રીસનો 20.61 લાખનો જથ્થો પણ સિઝ કર્યો હતો. તેમજ ઓવર લોડ ટ્રકને 12 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે સમગ્ર મામલે ખાણ ખનીજ અને પુરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ વેરાવળ બંદરમાં જિલ્લા કલેક્ટરની સીધી સૂચનાથી વેરાવળ ડેપ્યુટી કલેકટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.