નાગરિકોને પણ રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ:ચલણી નાણાનો અસ્વીકાર એ કાયદેસરનો ગુનો
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે ઉપયોગ બંધ થઈ ગયો હતો. જે બાબત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના ધ્યાને આવતા તેમના દ્વારા મોરબી જિલ્લામાં ૧૦ રૂપિયાના સિક્કાને ચલણ તરીકે સ્વીકારવા અને ઉપયોગ કરવા કડક સુચના આપવામાં આવી છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મોરબી શહેરમાં રૂ.૧૦ ની તંગી પ્રવર્તમાન હતી. આ બાબત જ્યારે મારા ધ્યાન પર આવી ત્યારે નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીની મદદથી મોરબી ખાતે અઠવાડિયા પૂર્વે દિવસ ૫૦ લાખ રૂપિયાની રૂ.૧૦ ની નોટ આવી અને હાલ વધુ ૩૦ લાખ રૂપિયાની રૂ.૧૦ ની નોટ આવી. મોરબી સ્ટેટ બેન્કની ટ્રેઝરી કેશમાં ૭૫ લાખ રૂપિયાના રૂ.૧૦ ના સિક્કા પડેલા છે. ૧૦ રૂપિયાના સિક્કા એ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ટેન્ડર કરંસીથી ચલણમાં મુકેલું અને હાલ અસ્તિત્વમાં હોય એવું નાણું છે જેથી તેને સ્વીકરવા માટે કોઈ ના પાડી શકે નહીં.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું મોરબી શહેર અને જિલ્લાના તમામ લોકોને વિનંતી કરું છું કે, ૧૦ રૂપિયાના સિક્કા આપ સ્વીકારો, દરેક વેપારીઓ આ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે અને દરેક બેંક પણ આ ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારે. જો કોઈ નાગરિક પાસેથી વેપારી કે વેપારી પાસેથી બેંક ૧૦ નો સિક્કો ન સ્વીકારે તો પણ વહીવટી તંત્રના ધ્યાને મૂકો. ભારતીય ચલણી નાણું કે, જે અસ્તિત્વમાં હોય તેને સ્વીકારવા કોઈ ના પાડે તો તે કાયદેસરનો ગુનો બને છે. જિલ્લા વહીવટી તંત્ર વતી હું સૌને વિનંતી કરું છું કે, આપણી પાસે રૂપિયા ૧૦ના સિક્કાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જ્યારે આખા દેશમાં આ સિક્કા ચાલે છે તો મોરબીમાં કેમ ન ચાલે? સૌ સાથે મળી ૧૦ રૂપિયા ના સિક્કાની લેવડ-દેવડ કરશે તો આ પ્રશ્ન તાત્કાલિક ઉકેલાઈ જશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રૂ.૧૦ની નોટનું કોઈ સંગ્રહ ન કરે. ઉપરાંત તેની ક્યાંય બ્લેક માર્કેટિંગ ન થાય તેની પણ વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. જો કોઈ વેપારી દસ રૂપિયાના સિક્કા ન સ્વીકારે તો મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, ચીટનીશ ટુ કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટરને જાણ કરવા પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.