રાજકોટનાં અગ્રિકાંડ બાદ ગીર સોમનાથમાં તંત્ર જાગ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી સહિતની જરૂરી મંજૂરી વગર ધમધમતા ગેમ ઝોન સામે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને વેરાવળની આરાધના સિનેમાનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.
રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. ત્યારે આ ઘટનાથી બોધપાઠ લઇ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફાયર સેફ્ટીને લઈને ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સિનેમામાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવતા વેરાવળની આરાધના સિનેમાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.સાથે સાથે સિનેમાઘરને પણ સીલ કરવામાં આવું છે.