વર્ષ 2008માં લાંચ લેવાના કેસમાં આજે મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલના તત્કાલીન મેડિકલ ઓફિસર ડૉ. પંકજ ગોંડલિયા અને નર્સ હિનાબેન નરભેરામ સાવરિયાને પાંચ-પાંચ વર્ષની સખત કેદની તેમજ દસ-દસ હજાર રૂપિયાની દંડની સજા ફટકારવામાં આવી છે.
આ કેસમાં આરોપ હતો કે સરકારી હોસ્પિટલમાં ગર્ભાશયનું ઓપરેશન કરવા માટે દર્દીના પતિ પાસે રૂ.6,000ની લાંચ માગવામાં આવી હતી. જેમાંથી 1800 રૂપિયા અગાઉ આપી દીધેલ હતા અને અન્ય બાકી રહેલ 4200 પૈકી 4000 આપવાનું નક્કી થયેલ જે લાંચ ડોક્ટર અને નર્સ વતી નર્સની માતા ઝડપાઈ હતી, પરંતુ ન્યાયિક પ્રક્રિયા દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટએ આઠ મૌખિક પુરાવા તથા ૪૪ દસ્તાવેજી પુરાવાઓના આધારે તેમજ સરકારી વકીલ એસ.સી.દવે ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને ભ્રષ્ટાચારી બાબુઓ માટે ચેતવણી રૂપ ચુકાદો આપવામાં આવ્યો હતો.