અગાઉ એક માસ પહેલા આ જ રીતે શિક્ષકાના મોબાઈલમાં વોટ્સએપમાં આર.ટી.ઓ. ચલણની .apk ફાઇલ ખોલતા જ એકાઉન્ટમાંથી ૨૪ લાખ જેટલી રકમ ઉપડી ગયી હતી.
મોરબી શહેરમાં વધુ એક ખેડૂત સાયબર ફ્રોડના શિકાર થયા છે, જેમાં સાયબર ઠગો દ્વારા અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી મોકલાયેલી .apk ફાઈલ ખોલવાને કારણે તેમનો મોબાઇલ હેક થયો હતો. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૨.૨૫ની ઠગાઈ થઈ હતી. ઘટનાની માહિતી તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન ૧૯૩૦ પર આપવામાં આવી હતી, જે બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, એક માસ પહેલા આવી જ રીતે મોરબીમાં રહેતા શિક્ષિકાના વોટ્સએપ ઉપર આવી જ રીતે .apk ફાઇલ ઓપન કરતા તેના બેંક ખાતામાંથી ૨૪ લાખથી વધુની રકમ ઉપડી ગયી હતી.
મોરબી શહેરના રવાપર રોડ, આનંદ વિહાર શિવપાર્ક સોસાયટી ખાતે રહેતા ખેડૂત પરેશભાઈ માવજીભાઈ વિરપરીયા ઉવ.૪૨નો મોબાઈલ હેક કરીને તેમના એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી રૂ.૨,૨૫,૫૯૭/- ની ઠગાઈ થયા હોવાનું સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જાહેર કર્યા મુજબ, તા. ૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે પરેશભાઈના મોબાઈલ નંબર ઉપર ૯૮૨૪૦૪૫૨૬૨ નંબરમાંથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં આર.ટી.ઓ. ચલણ સંબંધિત એક .apk ફાઈલ મોકલવામાં આવી હતી. ફાઇલ ખોલતા તે તરત જ હાઇડ થઈ ગઈ, જેના કારણે તેઓએ શંકા વિના પોતાનો મોબાઇલ રાખી સુઈ ગયા હતા, જે બાદ બીજે દિવસે સવારમાં તેમના ફોનમાં ઘણા ઓટીપી મેસેજ આવી ગયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ ખાતાની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના એચડીએફસી ખાતામાંથી જુદી-જુદી બેંકોના એકાઉન્ટમાં અનેક ટ્રાન્ઝેક્શન્સ દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. જેમાં ૩ ઇન્ડૂસ ઇન્ડ બેંક ખાતા ધારક, ઇન્ડિયન બેંક ખાતા ધારક, એક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બેંક ખાતા ધારક તથા ટ્રાન્ઝેક્શન આઇડી ધારકમાં એમ કુલ રૂ. ૨.૨૫ લાખ ટ્રાન્સફર થયા હતા.
આ અંગે પરેશભાઈએ તરત જ ૧૯૩૦ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર ફોન કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, તેમણે ફરિયાદમાં જણાવ્યુ કે .apk ફાઇલના માધ્યમથી તેમનો મોબાઈલને હેક કરીને બેંક એકાઉન્ટની સંપૂર્ણ માહિતી મેળવી લેવામાં આવી અને ત્યારબાદ ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત સાયબર ફ્રોડ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.