મોરબીની પી.જી. પટેલ કોલેજના કેમ્પસમાં આજે NSUI ગુજરાત દ્વારા ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી નશાના દુષ્પરિણામો સમજાવવામાં આવ્યા અને નશામુક્ત કેમ્પસ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
મોરબીની પી.જી. પટેલ કોલેજમાં NSUI ગુજરાતનું “ક્રાંતિકારી લલકાર” અભિયાન ગુંજ્યું હતું. અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “નશો જ કરવો હોય તો તમારી પોતાની ‘Brand’ બનાવવાનો કરો, પરંતુ કિંમતી જિંદગીને ‘પાવડર’માં ન રોળો.” સાથે જ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે સિગારેટના ધુમાડામાં કરિયર નથી બનતું, પરંતુ ફેફસાં અને ભવિષ્ય બંને બળે છે. નશા તરફ એક પગલું યુવાનની આખી જિંદગી અંધકારમાં ધકેલી શકે છે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોરબીના યુવાનોને ગુજરાતના વિકાસનું એન્જિન ગણાવતા કહ્યું હતું કે જો આ એન્જિન જ નશાની લતમાં ફસાઈ જશે તો વિકાસની ગતિ અટકી જશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નશામુક્ત જીવન જીવવાની અને કોલેજ કેમ્પસમાં નશાના વેપારીઓને પ્રવેશ ન આપવા સંકલ્પ લીધા હતા.









