હળવદથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મોરબી ખાતે લઈ જતો હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસે ઢવાણા ગામના પાટીયા પાસેથી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે રીક્ષાના ચાલકની અટકાયત કરી, રીક્ષા સહિત ૨.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ પોલીસ મેથક ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૦૩૪ માં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો ભરી ધ્રાંગધ્રા રોડ બાજુથી હળવદ થઈને મોરબી તરફ જવાનો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ઢવાણા ગામના પાટીયા પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત રીક્ષા ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે રીક્ષામાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૪૮ બોટલ કિ.રૂ.૬૪,૮૦૦/-મળી આવી હતી, આ સાથે રીક્ષા ચાલક આરોપી અખ્તરભાઈ અલ્લારખાભાઈ ઓઠા ઉવ.૨૧ રહે. હાલ મોરબી વીસીપરા લાયન્સનગર સ્કૂલ સામે મૂળ રહે. ધ્રાંગધ્રા માજી સૈનિક સોસાયટી વાળાની અટકાયત કરવામાં આવી હતી, હળવદ પોલીસે ઈંગ્લીશ દારૂ તથા રીક્ષા સહિત કુલ કિ.રૂ. ૨,૨૪,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.