મોરબી શહેરના પંચાસર રોડ ઉપર શિવ હોલ નજીક રિક્ષાના ચાલકે પોતાની રીક્ષા ફૂલ સ્પીડમાં ચલાવી આવી ડીવાઇડરની કટમાંથી અચાનક વળાંક લેતા સમયે ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી રિક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, બગથળા ગામના વતની અને મોરબી સેવા સદનમાં સિંચાઈ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પ્રભુભાઈ સરડવા ઉવ.૫૭ ગઈકાલ તા.૨૭/૦૨ના રોજ તેમના પાડોશી સંજયભાઈ સીતાપરા સાથે પોતાના મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીએચ-૬૬૫૭ ઉપર બગથળાથી મોરબી આવી રહ્યા હતા તે દરમિયાન મોરબીના પંચાસર રોડ ઉપર શિવ હોલ સામે ધવલ પાનની બાજુમાં ડિવાઈડરની કટમાંથી ફૂલ સ્પીડમાં ચલાવી આવતા સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૪૬૮૩ ના ચાલકે અચાનક વળાંક લઈ મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જતાં, મોટર સાયકલ ચાલક મહેશભાઈ સરડવાને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તુરંત મોટર સાયકલ પાછળ બેઠેલ સંજયભાઈ તેઓને મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં સંજયભાઈને કોઈ ઇજા પહોંચી ન હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે સંજયભાઈ સીતાપરાની ફરિયાદને આધારે આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









