મોરબીથી પંચમહાલ વતનમાં જઈ રહેલા યુવકનું મોત
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર ગામ નજીક અકસ્માતના બનાવમાં એક મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. જેમાં યુવક દ્વારા પોતાનું અપાચે મોટર સાયકલ પુરપાટ ઝડપે અને બેદરકારીથી ચલાવીને જતા મોટર સાયકલ આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે અથડાયું હતું, જેમાં મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુજ પોલીસ મથકમાં મૃતક યુવક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર,પંચમહાલ જિલ્લાના મોરવા હડફ નાના બામણા ફળિયુંના રહેવાસી સુરેશભાઈ ભારતસિંહ પટેલ ઉવ.૪૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે પોતાના મૃતક પુત્ર રાવીન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સુરેશભાઈનો પુત્ર મોરબીથી પોતાના અપાચે મોટર સાયકલ રજી.નં.જઈને-૧૭-સીએલ-૧૪૧૭ લઈને પંચમહાલ ખાતે પોતાના વતન આવતો હોય ત્યારે પોતાનું મોટર સાયકલ ફૂલ સ્પીડમાં અને ગફલત ભરી રીતે ચલાવી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે બંધુનગર ગામ નજીક રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રકના ઠાઠામાં ધડાકાભેર અથડાતા સારવાર મળે તે પહેલાં રવીન્દ્રકુમારનું મૃત્યુ થયું હતું. જે મુજબની ફરિયાદના આધારે તાલુકા પોલીસે મૃતક મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.