વાંકાનેરના દીઘલીયા ગામ નજીક હાઇવે રોડ ઉપર ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફામ સ્પીડે બેદરકારી પૂર્વક ચલાવી આગળ જતાં મોટર સાયકલનો ઓવરટેક કરી મોટર સાયકલને સાઈડમાંથી હડફેટે લેતા મોટર સાયકલ ચાલક પાછળના ટાયરમાં આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના લાકડધાર ગામે રહેતા છગનભાઇ અણીયારીયા અને તેમનો ૬ વર્ષીય પૌત્ર રમેશ ગત તા.૦૪/૦૧ના રોજ લાકડધાર ગામથી કાછીયાગાળા ગામ હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-એફજે-૬૦૭૬ લઈને જતા હોય ત્યારે વાંકાનેરના દીઘલીયા ગામના બોર્ડ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક રજી.નં. ટીએન-૨૯-સીવી-૫૦૮૭ એ છગનભાઇના મોટર સાયકલનો ઓવરટેક કર્યો હતો જે દરમિયાન ટ્રકે સાઈડમાંથી ઠોકર મારતા મોટર સાયકલ ચાલક છગનભાઇ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પૌત્રને સામાન્ય છોલછાલ જેવી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક રેઢો મૂકીને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવની મૃતકના દીકરા કિશોરભાઈ છગનભાઇ અણીયારીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.