માળીયા(મી): કચ્છ તરફથી મોરબી તરફ આવતા એક ટેન્કર આગળ જતાં વાહનના પાછળના ભાગે અથડાયું હતું, ત્યારે ટેન્કરની કેબીન અંદર દબાઈ જતા, ટેન્કરના ચાલકનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે મૃતક વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના છીતર કાપાર ગામના વતની હાલ ગાંધીધામ કચ્છ ખાતે રહેતા અને એમ.આર.શાહ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા ડાલુરામ રામારામ દતરવાલ ઉવ.૩૪ ગઈ તા.૩૦/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના કચ્છથી ટેન્કર રજી.નં. એનએલ-૦૧-એએ-૫૬૭૦ લઈને મોરબી તરફ આવતા હોય ત્યારે પોતાના હવાલા વાળું ટેન્કર ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી આગળ જતાં કોઈ વાહનમાં અથડાઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટેન્કર ચાલક ડાલુરામ ટેન્કરની કેબિનમાં દબાઈ જતા, તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મૃત્યુ અંગે મૃતકના ભાઈ વિશ્નારામ રામારામ દતરવાલ રહે રાજસ્થાન વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં મૃતક ડાલુરામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આરોપી સામે ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









