વાંકાનેર તાલુકાના ભલગામ ખાતેથી માદક પદાર્થ પોશ ડોડા ના રૂપિયા 6.68 લાખની કિંમતના જથ્થા સાથે સાળા, બનેવીને પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ભલગામ ખાતે રહેતા આરોપી પ્રવીણ નાજાભાઇ ભાલીયાના પોશ ડોડાના જથ્થો ઉતર્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન રહેણાક મકાનમાંથી વનસ્પતી જન્ય માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો જેનો વજન ૨૨૨ કિલો ૮૧૦ ગ્રામ જેની કિ.રૂ.૬,૬૮,૪૩૦નો જથ્થો ઝડપાયો હતો.આથી આરોપીની પૂછપરછ દરમિયાન આ જથ્થો આરોપી પ્રવીણભાઇ નાજાભાઇ ભાલીયા અને દેવરાજભાઇ ઉર્ફે રાણાભાઇ રામજીભાઇ ધોરીયા (રહે.ઠીકરીયાળા તા.વાંકાનેર જી.મોરબી)એ વેચાણ કરવાના ઇરાદે આરોપી શંકરલાલ ગોપીલાલ ગુર્જર (રહે.રાજસેટી ગામ તા.અમેઠ જી.રાજસમદ, રાજસ્થાન) ના ટ્રક ટેલર નં.આર.જે-૩૦-જીએ-૪૮૭૨માં મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.
આ રેઇડ દરમિયાન પ્રવીણભાઇ નાજાભાઇ ભાલીયા અને દેવરાજભાઇ ઉર્ફે રાણાભાઇ રામજીભાઇ ધોરીયા પોલીસ ઝપટે ચડતા પોલીસે બન્નેના કબજામાંથી મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦ સહિત કુલ રૂપિયા ૬,૬૯,૪૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી આગળ ધપાવી છે જ્યારે આરોપી શંકરલાલ હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.