ગુજરાતમાં દારુ અને ડ્રગ્સની સાથે સાથે હવે નશાકારક દવાઓનું સેવન પણ વધતુ જઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનુ પ્રમાણ વધારે છે. તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા રાજકોટ SOGએ કાર્યવાહી હાથ ધરી હતી. SOGએ આવા ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઇ ધર્મેશ બી. ખેરને મળેલી સચોટ બાતમીના આધારે પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરીમાં એસ.ઓ.જી.ની ટીમે રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક શેરી નંબર ૭માં એક મકાનમાં રેડ કરીને 23 લાખથી વધુ કિંમતની પ્રતિબંધિત નશાકારક શીરપની 13,338 બોટલના જંગી જથ્થા સાથે મિતેશપરી રાજેશપરી ગોસાઇ (રહે. હિંમતનગર, શીતલપાર્ક, રાજકોટ)ની ધરપકડ કરી છે. પકડાયેલા મિતેશની કબૂલાત પ્રમાણે નશાકારક શીરપનો આ જથ્થો આદીપુર, ગાંધીધામ (કચ્છ) રહેતા તેના બનેવી સમીર પ્રકાશગીરીએ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યો હતો. તેમજ આ કફ શીરપ કાયદેસર હોવાનું સમજી માત્ર સાળા-બનેવીના સંબંધ ખાતર એક પણ રૂપિયાની લાલચ વિના સમીર કહે એ મુજબ વિવિધ શહેરમાં ટ્રાન્સપોર્ટ મારફત માલ ડિસ્પેચ કરતો હોવાની કબૂલાત આપી હતી. સમીર ગોસ્વામી સાણંદ પોલીસમાં નોંધાયેલા આ પ્રકારના જ અન્ય એક ગુનામાં ફરાર છે. ત્યારે રાજકોટ શહેર એસ.ઓ.જી.એ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.