“જળ એ જ જીવન છે” જેવા સરકારી સૂત્રો સાથે સરકાર દ્વારા જળ સંચયની વિવિધ યોજનાઓનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ત્યારે ટંકારામાં વાસ્તવિક સ્થિતિ જોતા ઉપરોક્ત સરકારી સૂત્રો અને યોજનાઓ માત્ર કાગળ પૂરતી જ સીમિત હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ટંકારા નજીકથી પસાર થતી ડેમી 1 ડેમ અંતર્ગત આવતી સિંચાઈ કેનાલની યોગ્ય માવજત ન થતા પુષ્કળ પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યું છે. ખીજડિયા ગામના વાડી વિસ્તારોમાં આ સિંચાઈ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુક્શાનીનો અંદેશો સેવવામાં આવી રહ્યો છે. આ કેનાલમાં આવી ચડેલા ઝાડી- ઝાંખરાને કારણે હાલ મિતાણા ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવતા પાણીનો માર્ગ અવરોધાતા પાણીનું વહેણ જ સમુગળું બદલાઈ ગયું છે. બદયાયેલા વહેણનું પાણી ખેતરોમાં અને કાચા માર્ગો પર ફરી વળતા વ્યાપક નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. લાખો લીટર પાણીનો વ્યય તંત્રને નજરે ચડતો ન હોય ગ્રામ્યજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે. જરૂરિયાત વાળા ખેડૂતોને શિયાળુ પાકની પિયત માટે પાણી મળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે અને એ પણ માત્રને માત્ર કેનાલની યોગ્ય સફાઈના અભાવે. ત્યારે “પાણી બચાવો, પાણી તમને બચાવશે” જેવા સૂત્રો માત્ર બેનરો અને ચોપાનીયાં પૂરતા જ રૂડા લાગે છે અને વાસ્તવિક સ્થિતિ તો ખૂબ કદરૂપી હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રની તંદ્રા ક્યારે ખુલે છે.