મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી સપ્તાહ અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિની આયુષી મકાસણાને એક કલાક માટે મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવી હતી. આ દરમિયાન આયુષીએ વિવિધ વિભાગોની કામગીરી નિહાળી અને કામગીરી અંગે જરૂરી આદેશો આપ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી સપ્તાહ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજે “ડે વિથ કમિશનર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧૧ ની વિદ્યાર્થિની આયુષી મકાસણાને સાંજે ૫.૨૦ થી ૬.૨૦ વાગ્યા સુધી એક કલાક માટે મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. કમિશનર બનેલી આયુષી મકાસણાએ જણાવ્યું હતું કે શહેરમાં નાના સ્તરેથી લઈ ઉચ્ચ સ્તર સુધી કેવી રીતે કામગીરી થાય છે તે આજે પ્રત્યક્ષ જોઈ અને સમજવા મળ્યું. તેમણે સફાઈ, દંડ વસુલાત, મિટિંગ પ્રક્રિયા સહિતની કામગીરીનું અવલોકન કર્યું હતું. સાથે જ સબ જેલથી લીલાપર રોડ સુધી ચાલી રહેલી રોડની કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી સૂચનાઓ અને આદેશો પણ આપ્યા હતા. કમિશનરની સાપ્તાહિક સફાઈ મિટિંગ અને રાત્રી વિઝિટ અંગે પણ તેમને જાણકારી મેળવી હતી. તેમણે પ્રજાને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરવા અપીલ કરી, તેમજ પ્રજા અને કમિશનરના સમન્વયથી જ શહેરમાં વિકાસ શક્ય હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, ગઈકાલે ૧૫૦ બાળકોએ મહાનગરપાલિકાની મુલાકાત લઈ કામગીરી અંગે માહિતી મેળવી હતી. આજે “ડે વિથ કમિશનર” કાર્યક્રમ અંતર્ગત ૧૦ બાળકો કમિશનર સાથે રહ્યા હતા. રવાપર ક્લસ્ટર ઓફિસની મુલાકાત લઈ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સાઈટ વિઝિટ દ્વારા સફાઈ અને અન્ય કામગીરીઓનું અવલોકન કર્યું હતું અને અંતે મનપાની મિટિંગમાં હાજરી આપી શાસન પ્રક્રિયાની વ્યવહારુ સમજ મેળવી હતી.










