ગામડાના ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ મોડેલ સ્કુલો શરૂ કરવામાં આવી છે. -શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રાસિંહ ચુડાસમા
આજે કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે રૂ.૩૨૩.૭૮ લાખના ખર્ચે તૈયાર થયેલ માળીયા તાલુકાના મોટીબરાર ખાતે તૈયાર થયેલ મોડેલ સ્કુલનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રાસિંહ ચુડાસમાએ ઈ-લોકાર્પણ કર્યા બાદ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા ગામડાના ગરીબ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ મોડેલ સ્કુલો શરૂ કરવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે બાળકોનો શિક્ષણએ મુળભુત અધિકાર છે. ત્યારે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ કરતા હવે બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યુ છે તેમજ કોરોના કાળમાં પણ બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે નિષ્ણાંત શિક્ષકો દ્વારા ટીવીના માધ્યમથી શિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું છે. જ્યારે આ મોડેલ સ્કુલમાં ખાનગીશાળામાં ન હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે શિક્ષકોએ પણ જવાબદારી સમજી મારૂ બાળક છે તેમ સમજીને શિક્ષણ આપવા અનુરોધ કર્યા હતા.મંત્રીએ કોરોના રસીકરણ અંગે જણાવ્યું કે વિશ્વમાં સૌથી પહેલા ભારત દેશ રસી આપવાની સુદઢ વ્યવસ્થા કરી છે અને આપણી રસીને વિકસીત દેશો દ્વારા પણ માંગણી થઈ રહી છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ માળીયા તાલુકાના મોટીબરાર ખાતે આ મોડેલ સ્કુલ શરૂ થતા આ પછાત વિસ્તારનો લોકોના બાળકોને ખુબજ ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું. મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે માળીયા તાલુકો શિક્ષણમાં પા-પા પગલી માંડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના પરીવારોની લાગણી મુજબ મોડેલ સ્કુલ બનતા બાળકોને ખુબજ ઉપયોગી થશે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીએ સ્વાગત પ્રવચન તેમજ મોડેલ સ્કુલની વિગતો રજુ કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધી મોડેલ સ્કુલના આચાર્ય બી.એન.વીડજાએ કરી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, માળીયા તાલુકાના માજી પ્રમુખ અમુભાઈ ડાંગર, રમેશભાઈ રાઠોડ સહિત મણીભાઈ સરડવા, મનીષભાઈ કાંજીયા, ઉમેશભાઈ જાકાસણીયા, મોટીબરાર સરપંચ કાનાભાઈ ડાંગર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.