ટંકારાનાં લજાઈ ગામે આવેલ ભેંસના તબેલામાં રહેલ 52 ભેંસોએ કુમળી જુવાર ખાઈ જતા તમામ ભેંસોને સાઇનાઇડ પોઈઝનીંગની અસર થઈ હતી. જો કે તાત્કાલિક પશુપાલન વિભાગ મોરબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભેંસોની સારવાર કરતા તમામ ભેંસોનો જીવ બચ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આજરોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવનાં મંદિરની બાજુમાં આવેલ વિજયભાઈ પટેલ અને મનસુખ કાસુન્દ્રાની ભેંસોના તબેલામાં રહેલ 52 ભેંસોને કુમળી જુવાર ખાવાથી સાઇનાઇડ પોઇઝનિંગની ગંભીર અસર થતા તાત્કાલિક પશુપાલન વિભાગ મોરબીને જાણ કરતા પશુ ડોક્ટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દરેક અસરગ્રસ્ત પશુઓની સારવાર કરી બધા જ પશુઓને બચાવી લેવામાં આવેલ છે. તાત્કાલિક સારવાર પશુપાલન વિભાગ તરફથી મળતા મોટી જાનહાની ટળી હતી. તેમજ પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન થતા અટક્યું હતું.