આજે રોજ બરોજ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં અમુક ગંભીર ગુનાઓમાં કોર્ટ દ્વારા ટૂંક સમયમાં પ્રશંસનીય ચુકાદાઓ પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીનો દરજી પરિવારને આજે આઠ વર્ષ બાદ ન્યાય તો દૂર ની વાત છે પણ પોતાના લાડકવાયા માસૂમ પુત્ર નિખીલ ધામેચા ના હત્યારાઓ કોણ છે એ પણ ખબર નથી કેમ કે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી જ પરંતુ હજુ ઓળખાયા પણ નથી.
શુ હતો સમગ્ર બનાવ?
મોરબી સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતા મોરબીમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારના ૧૪ વર્ષનો એકના એક પુત્ર નિખીલ પરેશભાઈ ધામેચા તપોવન વિદ્યાલય માં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી શાળાએથી છૂટ્યા બાદ તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજ ભેદી સંજોગોમાં લાપત્તા થઇ ગયો હતો. તેની સાયકલ પણ તેની શાળા નજીકથી રેઢી મળી આવી હતી મોરબી એ ડિવિઝન પોલીસે તાબડતોબ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
શાળાના એક વિદ્યાર્થીએ નિખીલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હોવાનું જણાવ્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં પણ નિખીલ જેવો જ બાળક એક એક્ટિવા સ્કૂટર પાછળ બેસીને જતો પોલીસને દેખાયો હતો. જોકે ફૂટેજમાં બન્નેના ચહેરા ઝાંખા દેખાતા હોવાથી બાળક નિખીલ જ હતો કે અન્ય કોઇ તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી જુદી ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો મોરબી જીલ્લાના તમામ કાળા એક્ટિવાના માલિકોને બોલાવવામાં આવ્યા હતા અને રાત દિવસ એક કરી તમામ ના પાસો તપાસવામાં આવ્યા હતા પરંતુ એ સમયના એસપી જ્યપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા તેમજ પીઆઈ એન કે વ્યાસની ટીમને રાત દિવસની મહેનત બાદ પણ કોઈ સફળતા મળી ન હતી.
ત્રણ દિવસ પછી રામઘાટ નજીકથી એક કોથળામાંથી લાપત્તા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જોત જોતામાં આ કેસ ઘૂંટાતો જતો હતો માસૂમ નિખીલ ની આડેધડ છરીના ૧૧ જેટલા ઘા મારીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી માસૂમ નિખિલ કે તેના પરિવારને કોઇ સાથે દુશ્મનાવટ ન હતી તેઓ સામાન્ય જીવન જીવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ન તો આ ત્રણ દિવસમાં ખંડણી માટે કોઇ ફોન આવ્યા ન હતા તો બીજી બાજુ પોલીસને પણ કોઇ પુરાવાઓ પણ મળતા ન હતા આ માસુમની હત્યાના ભારે ઘેરા પ્રત્યાઘાતો મોરબી શહેરમાં પડ્યા હતા અને પોલીસે પણ ઉંધા માથે આરોપીઓ સુધી પહોંચવા રાત દિવસ એક કર્યા હતા.
નિખિલના પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી
મૃતક નિખિલના પરિવારજનો દ્વારા તેના માસૂમ પુત્રની હત્યામાં જીઆઇડીસી નજીક આવેલા સંસ્કાર ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પ્રેમ સ્વરૂપ અને સંચાલકોની સંડોવણીના આક્ષેપ કરી આ શકમંદોના નાર્કોટેસ્ટ કરાવવાની માંગણી કરતા ખળભળાટ મચી ગયો હતો.
પરિવારજનો એ ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત:તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી
નિખિલના પરિવારે આ મામલે ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રૂબરૂ અને વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત પણ કરી હતી પરંતુ કાયદાની માયાજાળ મંજૂરી વિના નાર્કોટેસ્ટ શક્ય નથી એ માટે પોલીસ અહીંયા પણ તપાસ માટે મર્યાદિત હતી જેથી માસૂમનિખિલ ના અપહરણ, હત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસની અલગ અલગ સાત ટીમે રાત-દિવસ એક કર્યા પરંતુ કોઇ સફળતા નહીં મળતા અંતે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી જો કે આજે આઠ -આઠ વર્ષ બાદ પણ માસૂમ નિખિલ ના હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે સામાન્ય રીતે જીવન ગુજરાન ચલાવતો દરજી પરિવાર પોતાના એક ના એક માસૂમ લાડકવાયાની યાદમાં તડપી રહ્યા છે અને તેના માસૂમ નિર્દોષ પુત્રને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.નિખિલ ધામેચાની હત્યા કોણે નિપજાવી? માસૂમ નિખિલ સાથે કોને અદાવત હતી ? આવા અનેક પ્રશ્નોના જવાબ હજુ પણ નિખિલ હત્યાકાંડ ની ફાઈલ સાથે અકબંધ છે.હવે આગામી સમયમાં નિખિલની આત્મા જ પોતાની હત્યા કરનારાઓ હત્યારાઓ પરથી પડદો ઉઠાવે તો આરોપીઓ ભો ભીતર થાય તેવો ઘાટ હાલ ઘડાઈ ગયો છે.
આજે એક પછી એક આવા ગુનેગારોને સજાઓ ના એલાન થાય છે જે ખરેખર પ્રસંશનીય કહેવાય ત્યારે હવે નિખીલના હત્યારાઓને પકડવા ફિલ્મોની કેમ શુ નિખિલની આત્માને જ આવવું પડશે ? એ મોટો સવાલ છે.