કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા એલ્ડર હેલ્પલાઇન -૧ ૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ તમામ પ્રકારે સહાય કરવામાં આવે છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે. તાજેતરમાં મોરબી જિલ્લામાં એલ્ડરલાઈન દ્વારા માનસીક રીતે અસ્વસ્થ વૃદ્ધાને સહાય કરી આશ્રમ ખાતે તેમને આશ્રય અપાવવામાં આવ્યો છે.
એલ્ડરલાઇન ફિલ્ડ ઓફિસર રાજદીપ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, લાભુબેન મઢવી નામના આશરે ૭૪ વર્ષીય વૃદ્ધા માનસીક અને પથારીવશ હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ મેસરિયા ગામ ખાતે એક મંદિરમાં રહેતા હતા. લાભુબેન નિરાધાર હોવાથી એલ્ડર હેલ્પલાઇના ઓફિસરની સાથે વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા માર્ગદર્શન હેઠળ ચાલતી શી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ આરતીબેન શાહે મેસરીયા ગામ ખાતે જઇ તેમનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર વિશે પુછપરછ કરી સાથે આડોશી પાડોશી સાથે પણ સંપર્ક સાધવા પ્રયત્નો હાથ ધર્યા હતાં પરંતુ વૃદ્ધા નિરાધાર છે તેવું જાણવા મળ્યું હતું. જેના આધારે એલ્ડરલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જહેમત ઊઠાવી નિરાધાર માતાની એલ્ડરલાઇન દ્વારા સંગાથ આશ્રમ સંચાલક ધવલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમની સાથે આ અંગે વાત કરતા તેમણે આગળ આવીને રાયસંગપર પાટિયા માળીયા ગામે આવેલ સંગાથ આશ્રમ ખાતે વૃદ્ધાને હાલ આશ્રય આપ્યો છે, જ્યાં આશ્રમ દ્વારા તેમની સંભાળ લેવામાં આવી રહી છે.