વાંકાનેર શહેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા પરિવાર સાથે જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી ૫૬ વર્ષીય મહિલા અને તેમના પતિને બેફામ માર મારવામાં આવ્યો હતો. હુમલામાં મહિલાના માથા અને આંખ પાસે ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને વાંકાનેર સિટી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના ભાટીયા સોસાયટી સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે રહેતા સઈદાબેન સલીમભાઈ લોલાડિયા ઉવ.૫૬એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.૧૭/૦૨ના રોજ તેઓ ઘરમાં એકલા હાજર હતા. તે દરમિયાન ત્રણ શખ્સો તેમના ઘરે ઘૂસી આવ્યા હતા, જેમાં આરોપી શરીફભાઈ હનીફભાઈ પાયક, તેનો સાળો અદનાન તથા બે અજાણ્યા શખ્સોએ આવી, ફરિયાદીના પુત્ર સદામ બાબતે પૂછપરછ કરી હતી. જે બાબતે ફરિયાદીએ ક્યાં કારણોસર પુત્ર વિશે પૂછવાનું કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા અને આરોપી શરીફભાઈએ ફરિયાદી સઈદાબેનના માથાના વાળ પકડી ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને માથા તથા છાતીના ભાગે માર માર્યો હતો. આ દરમિયાન તેમના પતિ ઘરે પહોંચતા આરોપીઓએ તેમને પણ બેફામ માર માર્યો હતો અને ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરોએ દંપતીને ઢીકા-પાટા તથા ચપ્પલથી માર માર્યો હતો, જેમાં મહિલાની ડાબી આંખ નીચે નખ જેવી ઇજા પહોંચી હતી. જેથી ફરિયાદી મહિલા બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. હાલ વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.









