વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ નજીક અકસ્માતના બનાવમાં પુરગતિએ આવતા ડમ્પરે એકટીવાને પાછળથી જોરદાર ટક્કર મારતા એકટીવા ચાલક વૃદ્ધ રોડ ઉપર ફંગોળાયા હતા, જેમાં વૃદ્ધને પેટના ભાગે અને શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના રહેવાસી વનમાળીદાસ કુબાવત ગઈ તા.૦૮/૦૨ ના રોજ લગ્ન પ્રસંગે લુણસરીયા ગામે ગયા હતા જ્યાંથી બપોરના સમયે પ્રસંગ પૂર્ણ કરી લુણસરીયાથી દિઘલીયા પોતાના એકટીવા રજી.નં. જીજે-૩૬-એમ-૩૧૮૪ ઉપર પરત જતા હોય તે દરમિયાન ડમ્પર રજી.નં. જીજે-૧૭-એક્સએક્સ-૩૬૭૧ના ચાલકે પોતાનું ડમ્પર ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલ એકટીવાને પાછળથી ઠોકર મારતા એકટીવા ચાલક વનમાળીદાસ કુબાવતને પેટના ભાગે, હાથમાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, બીજીબાજુ અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને ભાગી ગયો હતો, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર હિતેષભાઇ વનમાળીદાસ કુબાવત ઉવ.૪૫ દ્વારા ઉપરોક્ત ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.