વાંકાનેર તાલુકાના માટેલ નજીક રોડ પર રિવર્સમાં આવતા મોટર ગ્રેડર મશીનની અડફેટે રાહદારી વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગ્રેડર મશીનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના માટેલથી જામસર જતા માર્ગ પર વોકળાના પુલ પાસે ગત તા.૧૮/૦૧/૨૦૨૬ના સાંજના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર ગ્રેડર મશીન રજી. નં. જીજે-૧૮-એસએસ-૦૪૯૯ના ચાલકે આગળ પાછળ જોયા વિના અને બેદરકારીપૂર્વક સ્પીડમાં રિવર્સ લેતા પાછળ પગપાળા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં વૃદ્ધના માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત મામલે મૃતકના પુત્ર રમેશભાઇ રાજાભાઇ નંદાશીયા રહે.વરડુસર તા.વાંકાનેર વાળાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ગ્રેડર મશીનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









