મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવો દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. જેને પગલે પોલીસ તંત્ર દ્વારા પણ લોકોને નિયમોનું પાલન કરવા અને ગાડી શાંતિપૂર્ણ રીતે ચલાવવા અપીલ કરવામાં આવી છે. તેવામાં ગત. ૩ જુલાઈએ ત્રણ લોકો એક બાઈક પર સવાર થઈ વાંકાનેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વાંકાનેર પાસે ગાડી સ્લીપ થઈ જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. જે અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ રહેતા મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ પોતાના GJ-13-BB-0251 નંબરનું બાઈક લઈ તેના ૮ વર્ષીય પુત્ર વાસુદેવ અને સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે ત્રીપલ સવારીમાં વાંકાનેર તરફ જતા હતા. ત્યારે લીંબાળાધાર ગામ પાસે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર એક કુતરું બાઈકની આડે ઉતરતા બાઈક મહેશભાઈએ અચાનક જ બ્રેક મારી હતી જેના કારણે ગાડી સ્લીપ થઈ હતી. જેમાં મહેશભાઈને તેમજ તેમના પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચવા પામી હતી. જ્યારે વૃદ્ધને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.