વાંકાનેર તાલુકાના પાડધરા ચોકડીથી માટેલ જતા રોડ ઉપર બેફામ દોડતા ટ્રકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાના કારણે તેમના પગમાં ઇન્ફેક્શન ફેલાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આખરે પગ કાપવો પડ્યો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશવે બ્રિજ સામે પડધરા ચોકડીથી માટેલ તરફ જતા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ફરિયાદી આનંદભાઈ પ્રવિણભાઈ કારીયા ઉવ.૩૮ હાલ વિરાર વેસ્ટ મુંબઈ મૂળ પોરબંદરના વતની તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.૦૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તેમના પિતા પ્રવિણભાઈ જીવનભાઈ કારીયા રોડની સાઇડમાં ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે ટ્રક નં. જીજે-૩૨-ટી-૬૫૫૫ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી અને બેફામ રીતે ચલાવી પ્રવિણભાઇ પગ ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ ફેરવી દીધું હતું. આ અકસ્માતમાં તેમના ડાબા પગ ઉપર ફરી જતા ગંભીર ઇજા પહોંચી હતી. નેથી તેઓને સારવારમાં મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડતા જ્યાં પગમાં ઇન્ફેક્શન ફેલાતા સાથળની નીચેનો ભાગ કપાવી દેવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે પહેલા સમાધાનની વાત ચાલતી હોવાથી ફરિયાદ મોડેથી નોંધાઈ હતી. અંતે સમાધાન ન થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









