સ્યુસાઇડ નોટના આધારે એક મહિલા સહિત ૮ આરોપીઓ સામે ગુનો દાખલ, શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ.
મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા સત્ય-બી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા વૃદ્ધાએ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. વૃદ્ધાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકોના નામ લખી ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ નોટના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ ૮ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી નરેન્દ્રભાઈ છગનભાઈ પાચોટિયા ઉવ.૪૪ હાલ કંડલા બાયપાસ રોડ સત્ય-બી એપાર્ટમેન્ટ મૂળ નવા સાદુળકા ગામના વતનીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ જ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપીઓ :(૧)મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, (૨)વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, (૩)નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, (૪)ભાવીકભાઇ કારૂભાઈ વિરમગામા, (૫)કેવલ કારૂભાઈ વિરમગામા, (૬)રમણીકભાઇ ઉર્ફે ધામી આદ્રોજા, (૭)નાનજી જીવાણી તથા (૮)વિલાસબેન સવસાણી તમામ રહે. કંડલા બાયપાસ ડીવાઇન પાર્ક સત્ય-બી એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તેઓ પરિવાર સાથે સત્ય-બી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમની માતા સવિતાબેન પણ તેમના સાથે જ રહેતા હતા. ગત તા. ૫ માર્ચ ૨૦૨૬ના રોજ વહેલી સવારે લગભગ છ વાગ્યાના આસપાસ સવિતાબેને એપાર્ટમેન્ટના ધાબાની રૂમમાં જતી સીડીઓ પાસે દોરી અને ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બાદ પરિવારજનોને વૃદ્ધાના હાથેથી લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં એપાર્ટમેન્ટમાં રહેતા ઉપરોક્ત લોકો દ્વારા વારંવાર ગાળો આપી, ધમકી આપી અને અપમાનિત કરવામાં આવતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ફરિયાદ મુજબ અગાઉ એપાર્ટમેન્ટમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડાને લઈને પણ ફરિયાદી અને તેમના પરિવારજનોને માર માર્યાનો અને આ બાબતે અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હોવાને કારણે આરોપીઓ ખાર રાખી ફરિયાદી પરિવારને હેરાન કરતા રહેતા હતા અને ફરિયાદીની ગેરહાજરીમાં તેમની માતાને ધમકાવતા હતા. સ્યુસાઇડ નોટમાં વૃદ્ધાએ પરિવારજનોને જણાવ્યું હતું કે તેઓ આ લોકોના ત્રાસથી કંટાળી ગયા છે અને હવે તેમની સાથે રહેવું મુશ્કેલ બની ગયું છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









