કુટુંબી ભાઈઓ વચ્ચે જમીન વિવાદના પગલે ધારીયા, પાવડા અને લાકડી વડે હુમલો.
હળવદ તાલુકાના દીઘડિયા ગામે કુટુંબી ભાઈ ઉપર ઘાતકી હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વડીલો પાર્જીત જમીનના ભાગ પાડવાની વાત કરવા ગયેલા કુટુંબી ભાઈ અને તેની સાથેના સાહેદો ઉપર કુટુંબી ભાઈ તથા ભત્રીજાઓએ ધારીયા, પાવડા અને લાકડી વડે હિંસક હુમલો કર્યો હતો, જેમાં બે લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા હાલ સારવાર ચાલુ હોય, ત્યારે સમગ્ર માર મારવાની ઘટનામાં કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પોલીસ મથકમાં ફરિયાદી રાજુભાઇ રણછોડભાઇ નંદેસરીયા ઉવ.૩૮, રહે. દિઘડીયા ગામના રહેવાસીએ આરોપી શંકરભાઇ પ્રભુભાઇ નંદેસરીયા, બાબુભાઇ પ્રભુભાઇ નંદેસરીયા, જગદીશભાઇ બાબુભાઇ નંદેસરીયા તથા સંજયભાઇ બાબુભાઇ નંદેસરીયા રહે બધા-ગામ દિઘડીયા તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી રાજુભાઇ તથા ઉપરોક્ત આરોપીઓની સહીયારી વડીલો પાર્જીત જમીન આવેલ હોય, જે જમીનના ભાગ પાડવા બાબતે ફરીયાદી રાજુભાઇ તથા સાહેદ સંજયભાઇ આરોપીઓ પાસે વાતચીત કરવા ગયેલ ત્યારે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો તેમજ ધારીયા, પાવડા તથા લાકડી જેવા હથીયાર ધારણ કરી આરોપીઓએ માથામા ઇજા કરી તથા આરોપી નંબર (૪) નાએ સાહેદ સંજયભાઇને માથામા તથા શરીરે આડેધડ માર મારી, ફરીયાદીને બન્ને પગમા તથા ખંભામા ફેકચર જેવી ઇજા કરી તથા સાહેદ સંજયભાઇને માથામા હેમરેજ જેવી ગંભીર પ્રકારની ઇજા પહોચાડી તથા અન્ય સાહેદ રમેશભાઇ તથા હરેશભાઇને ઇજાઓ કરી આરોપીઓએ ગુન્હામા એકબીજાની મદદગારી કરી હતી. હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.