મોરબી જીલ્લાના સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડિકલ કોલેજ મોરબી તથા સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. ગામના સરપંચ, તલાટી મંત્રી, તબીબો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે કુલ ૧૦૪ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વ. દુધીબેન અંબારામભાઈ કાલાવડીયાના સ્મરણાર્થે રમેશભાઈ કાલાવડીયા દ્વારા દાતાઓને પ્રોત્સાહન રૂપે ઘડિયાળ આપવામાં આવી હતી.
મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડિકલ કોલેજ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાવડી ગામના સરપંચ, ટંકારા તાલુકા ભાજપ સંગઠનના સભ્યો, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. દીપક બાવરવા, તલાટી મંત્રી અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનું ઉદ્ઘાટન કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગામજનોને રક્તદાન માટે પ્રેરિત કરવા આગેવાનો દ્વારા હકારાત્મક વિચારો રાજુ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સાવડી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો અને કુલ ૧૦૪ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્વ. દુધીબેન અંબારામભાઈ કાલાવડીયાના સ્મરણાર્થે તેમના પુત્ર રમેશભાઈ કાલાવડીયા દ્વારા દરેક રક્તદાતા માટે પ્રોત્સાહન રૂપે ઘડિયાળ વિતરણ કરાયું હતું.
આ કેમ્પને સફળ બનાવવા જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના જીલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ ટેક્નિશિયન સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ બાવરવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિ ભોરણીયા, લેબ ટેક્નિશિયન કિરણબેન, ફાર્માસિસ્ટ જાનીભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના આરોગ્ય સ્ટાફે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.